Prayer in Christian Life |
“આત્મામાં સર્વ પ્રકારે તથા હરવખત
પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સઘળા સંતોને માટે
સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો” (એફેસી 6:18).
સંત પાઉલ આપણને ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ
કરી લેવા માટે જણાવે છે કે જેથી કરીને આપણે શેતાનની કુયુક્તિઓની સામે દઢ રહી શકીએ.
આ શસ્ત્રોમાં આપણે પ્રાર્થનાઓને વિશેષ મહત્વ આપવાની જરૂર છે.
આ દિવસોમાં આપણા દેશમાં શેતાનની કુયુક્તિઓ
બહુ સક્રિય બનેલી છે. દુષ્ટ આત્મા મંડળી, સંસ્થા, મિશનરીઓ
અને સેવાક્ષેત્રોમાં સેવા કરનાર સેવકો વિરુદ્ધ બહુ જ સક્રિય બનેલો છે. આ પ્રકારના
દુષ્ટ આત્માનો નાશ પ્રાર્થના અને ઉપવાસ સિવાય અન્ય કોઈ બાબતથી થઈ શકતો નથી (માર્ક 9:29). પાઉલ આપણને સલાહ
આપે છે કે આપણે આત્મામાં પ્રાર્થના અને વિનંતીઓ જણાવીને પ્રાર્થના કરવી જોઈએ.
ઈશ્વર આપણને અંધકારમાંથી અજવાળામાં બહાર આવવામાં
મદદરૂપ થવા માટે નીચે જણાવ્યા મુજબની પ્રાર્થનાઓ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
પ્રે.કૃ. ના 9 થી 13 અધ્યાયોમાં સાત પ્રકારની
પ્રાર્થનાઓ જોવા મળે છે.
પ્રથમ : વ્યક્તિગત પ્રાર્થના
ઈશ્વર અનાન્યાને કહે છે કે પાઉલ અત્યારે
પ્રાર્થના કરે છે. (પ્રે.કૃ. 9:11). પ્રે.કૃ. 10:19 માં આપણે વાંચીએ
છીએ કે પિતર મકાનના ઉપલા માળે જઈને પ્રાર્થના કરી રહ્યો હતો. દાનિયેલ અગાઉની જેમ
યરૂશાલેમ તરફની પોતાની ઓરડીની બારીઓ ખુલ્લી રાખીને દિવસમાં ત્રણ વખત ઘૂંટણો પર
નમીને પ્રાર્થના કરતો હતો અને ઈશ્વરનો આભાર માનતો હતો. (દાનિયેલ 9:10). બાઈબલની અંદર આપણે
વાંચીએ છીએ કે આપણા પૂર્વજો સવારમાં વહેલા ઊઠીને કેવી રીતે ઈશ્વરની સમક્ષતા અને
એકલવાયાપણામાં સમય વીતાવતા હતા. આપણે જગતને, શેતાનને, આપણા
માનવદેહને અને ઈચ્છાને આપણા પર રાજ કરવા દેવાની પરવાનગી આપવી ન જોઈએ. ખ્રિસ્તમાં
વિજયવંત જીવન જીવવા માટે અંગત સમય બહુ અનિવાર્ય છે. આપણે વહેલી સવારે ઊઠીને
પ્રાર્થના કરવામાં તથા ઈશ્વર પર આધાર રાખવામાં આપણો સમય ગાળવો જોઈએ. ઈશ્વર આપણને
ભૂંડા આત્મા તરફથી આવતાં પરીક્ષણો અને કસોટીઓ પર હાવી થવામાં મદદ કરશે.
બીજું : વ્યક્તિગત ઉપવાસ સહિતની પ્રાર્થના
પ્રે.કૃ. 9:9 માં આપણે વાંચીએ છીએ કે, “ત્રણ દિવસ
સુધી પાઉલ દેખી શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.”
પાઉલમાં પરિવર્તન પામતાં અગાઉ શાઉલે ત્રણ દિવસ ઉપવાસ સહિત પ્રાર્થના
કરવામાં ગાળ્યા હતા. માથ્થી 6:16 - 18 માં ઈસુ ખ્રિસ્ત આપણને ઉપવાસ સહિત પ્રાર્થના કરવા માટેનું
શિક્ષણ આપે છે. ઉપવાસ સાથેની પ્રાર્થના આપણને ઈશ્વરની તરફ ફરવા માટે વારસા સ્વરૂપે
મળતી નથી. ઉલટાનું,
આપણે તો આપણી પ્રાર્થનાઓમાં ઈશ્વરની સમક્ષ કબૂલાત કરવાની,
આપણી જાતને નમ્ર બનાવવાની તથા તેમની ઈચ્છાને આધીન કરવાની જરૂર છે.
ઉપવાસ સહિતની પ્રાર્થના મારફતે જ આ બાબત સિદ્ધ થઈ શકે છે.
ત્રીજું : કૌટુંબિક
પ્રાર્થના
પ્રે.કુ. ના 10 મા અધ્યાયમાં આપણે
વાંચીએ છીએ કે કર્નેલિયસ અને તેનું આખું કુટુંબ ઈશ્વરનો ભય રાખતું હતું અને તેઓ
હમેશાં ઈશ્વરને પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના તો કુટુંબ માટેનો પાયો છે. કેટલાક
લોકો એવું કહેતા હોય છે કે પ્રાર્થનાવિહિન ઘર એટલે છાપરા વગરનું ઘર; જ્યારે
બીજા કેટલાક લોકો એવું કહેતા હોય છે કે પ્રાર્થનાવિહિન ઘર એટલે દીવાલો વગરનું ઘર.
પ્રાર્થના કરનારું કુટુંબ જ ટકી રહે છે. જે કુટુંબના સભ્યો સાથે મળીને પ્રાર્થના
કરે છે, એ કુટુંબ જ બધા જ પ્રકારની કટોકટીઓ સામે અડગ ઊભું
રહે છે. ઈસુ ખ્રિસ્ત ખડક પર બાંધવામાં આવ્યું ન હોય એવા ઘર સામે ચેતવણી આપે છે.ખડક
પર બાંધવામાં આવેલું ઘર ઝંઝાવાત અને પૂર સામે ટકી રહે છે. પ્રાર્થનાની બાબતમાં પણ
એવું જ છે. જે કુટુંબમાં પ્રાર્થના થતી હોય છે, એ કુટુંબે
ખડક પર બાંધવામાં આવેલા ઘર જેવું છે. ઉલટાનું, પ્રાર્થના,
ઉપવાસ, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરના
સામર્થ્ય અને મહિમા પર ઘર બંધાવું જોઈએ. આવા સિધ્ધાંતો પર ખ્રિસ્તી ઘરો બંધાવાં
જોઈએ.
નીચે એવાં ઘરોની યાદી આપવામાં આવી છે કે જયાં
પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
1. અયૂબ 1:4 - અયૂબના ઘરમાં દહનાર્પણો, પવિત્રીકરણની
વિધિ અને પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી.
2. ન્યાયાધીશો 13:12 - પોતાના દીકરાનો
ઉછેર કેવી રીતે કરવો,
એ સંબંધી માનોઆહના ઘરમાં કરવામાં આવેલી પ્રાર્થના.
3. 2 શમુએલ 12:16,17 – બાળકના સાજાપણા
અર્થે, દાઉદના ઘરમાં કરવામાં આવેલી સાત દિવસના ઉપવાસ સહિતની પ્રાર્થના.
4. દાનિયેલ 6:10; માથ્થી 6:6; પ્રે.કૃ. 10:2 - દાનિયેલ, પિતર અને
શાઉલ જે ઘરમાં રહેતા હતા, એ ઘરોમાં એકાંતમાં કરવામાં આવેલી
પ્રાર્થના.
5. પ્રે.કૃ. 10:2 - પોતાના ઘરમાં કર્નેલિયસ
અને તેનાં કુટુંબીજનોએ કરેલી પ્રાર્થના.
6. પ્રે.કૃ. 2:2 - ઉપલીમેડી પર રોકાઈને કરવામાં
આવેલી પ્રાર્થના.
7. પ્રે.કૃ. 10:30 - કર્નેલિયસના
ઘરમાં કરવામાં આવેલી ઉપવાસ સહિતની પ્રાર્થના.
8. પ્રે.કૃ. 12:12 - યોહાન (માર્ક)
ની માતા મરિયમના ઘરમાં રાતના સમયે કરવામાં આવેલી પ્રાર્થના.
9. રોમનો 16:3-5 - પ્રિસ્કીલા
અને આકુલાના ઘરમાં એકઠી મળતી મંડળીમાં કરવામાં આવેલી પ્રાર્થના.
10. પ્રે.કૃ. 2:42; 20:7 - ઘેરઘેર જઈને
રોટલી, ભાંગવી
માથ્થી 18:18-20 માં ઈસુ પ્રાર્થના
કરનાર કુટુંબો પર આવનાર ત્રણ મહત્ત્વપૂર્ણ આશીર્વાદો સંબંધી વાત કરે છે.
કલમ 18 - ઈશ્વરના સામર્થ્યનો
અનુભવ થવો.
કલમ 19 - ઈશ્વરે આપેલી
ખાતરીની ઓળખ અને તેની પરિપૂર્ણતા.
કલમ 20 - કુટુંબ પર
ઈશ્વરનો મહિમા પ્રગટ થવો.
યાકૂબ અને હારૂનનાં કુટુંબોને આશીર્વાદ આપનાર યહોવા દેવ
આપણાં કુટુંબોને પણ આશીર્વાદો આપવાની ઈચ્છા રાખે છે. પ્રાર્થના તો આપણા ઘર માટેના
ખૂણાના મુખ્ય પથ્થર સમાન છે, અને આપણે આપણા કુટુંબમાં પ્રાર્થનાને
પ્રથમ સ્થાન આપવાની જરૂર છે.
ચોથું : કુટુંબમાં ઉપવાસ સહિતની પ્રાર્થના
પ્રે.કૃ. 10:30 જણાવે છે કે
કર્નેલિયસનું કુટુંબ ત્રીજા પહોરે (નવ વાગ્યે) ઉપવાસ સહિત પ્રાર્થના કરતું હતું, દુષ્ટ આત્માનાં દુષ્કૃત્યોને નિષ્ક્રીય બનાવવા માટે આપણે દિવસમાં એક વખત
ઉપવાસ કરીને પાર્થના કરવી જોઈએ. ઉપવાસ સહિતની આ પ્રાર્થના અનિવાર્ય એટલા માટે છે
કે આપણાં બાળકો અને વંશજો વિશ્વાસુ ખ્રિસ્તી પેઢીઓ બની રહે.
પાંચમું : સતત પ્રાર્થનાઓ
પિતરને જ્યારે કેદખાનામાં પૂરવામાં આવ્યો હતો, ત્યારે સંગતના સભ્યો તેને માટે સતત પ્રાર્થનાઓ કરતા હતા. આ પ્રાર્થના પાસ્ખાપર્વ
દરમિયાન છઠ્ઠા દિવસથી સતત સાત દિવસો ચાલુ રહી હતી. દરેક મંડળીએ સતત પ્રાર્થના
કરનારું ઘર બની રહેવાની જરૂર છે. આ તો ઈશ્વરની જ ઈચ્છા છે.
છઠ્ઠું : રાત્રિ પ્રાર્થના
પ્રે.કૃ. 12:12 માં આપણે વાંચીએ
છીએ કે જેની અટક માર્ક હતી, એ યોહાનની માતા મરિયમના ઘરે ઘણાબધા લોકો
રાત્રે એકઠા મળીને પ્રાર્થના કરતા હતા. અને એ સમયોમાં ઘણા લોકો એવું કરતા હતા,
ઈસુ પણ પ્રાર્થના કરવા માટે પહાડ પર જતા હતા અને આખી રાત ઈશ્વરને
પ્રાર્થના કરવામાં વીતાવતા હતા.
સાતમું : સામુદાયિક ઉપવાસ સહિતની પ્રાર્થના
પ્રે.કૃ. 13:1-13 માં આપણે વાંચીએ
છીએ કે, અંત્યોખમાંની મંડળી ઉપવાસ સહિત પ્રાર્થના
કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના કરતી હતી. મંડળીએ ઉપવાસ સહિત પ્રાર્થના કરીને
પોતાના હાથ બર્નાબાસ અને શાઉલ પર મૂક્યા હતા, જેથી કરીને જે
સેવાકાર્ય અર્થે ઈસુ ખ્રિસ્તે તેઓને તેડ્યા હતા, એ સેવાકાર્ય
તેઓ કરી શકે. આપણે પણ ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરીને દેશના ખૂણેખૂણે મિશનરીઓ
મોકલવાના આવા ઉદાહરણોને અનુસરવું જોઈએ. ભારતમાં ઘણાંબધાં લોકજૂથો એવા છે કે જેઓએ
પોતાના જીવનમાં એક વખત પણ ઈસુ ખ્રિસ્તનું નામ સાંભળ્યું નથી. જો આ વણખેડાયેલા
વિસ્તારોના લોકો સુધી સુવાર્તા પહોંચાડવી હોય, તો મંડળી
સ્તરે ઉપવાસ સહિતની પ્રાર્થના અનિવાર્ય છે.
યહોવા દેવ તેમની કૃપા આપણા પર એવી વરસાવો કે આપણે શેતાનનાં ષડયંત્રો
અને વિરોધ સામે અડગ ઊભા રહી શકીએ !
- રેવ. એમ. રાજ
નેશનલ પ્રેયર નેટવર્ક