ગુજરાતની ખ્રિસ્તી મંડળીઓનો ઈતિહાસ

 ગુજરાતની ખ્રિસ્તી મંડળીઓનો ઈતિહાસ


Gujarat ni Khristi mandaliono Itihash image


પોરબંદરના મુનશી અબ્દુર રહેમાન :

    ૧૮૪૩ માં આઈ.પી. મિશનના મિશનરીઓએ ઘોઘા અને રાજકોટથી પોરબંદર સુધી પોતાનું સુવાર્તિક કામ વિસ્તાર્યું હતું. ૨૫ વર્ષ પછી તે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ બનવાનું હતું. નવા સાહસના આગેવાન રોબર્ટ મંટગમરી હતા. તેમણે અબ્દુર રહેમાન નામના મુસ્લિમ મુનશીને પોતાને ગુજરાતી શીખવવા માટે રાખ્યા હતા. અબ્દુર રહેમાન લગભગ ૩૦ વર્ષના પરિણીત યુવાન હતા. તેમને ચાર સંતાનો હતાં. તેમણે મક્કાની હજયાત્રા પણ કરી હતી અને મુસ્લિમ કાયદાના નિષ્ણાત ગણાતા હતા. તે ખૂબ ધાર્મિક હતા અને એકવાર તેમણે ૬ માસ એકાંતમાં રહી સત્યની શોધમાં અને ચિંતનમાં પસાર કર્યા હતા. તે મંટગમરીના જાની મિત્ર બન્યા અને તેમની પાસે બાઈબલનો અભ્યાસ કરતાં ઘણા ખ્રિસ્તી સિદ્ધાંતો વિષે અને ખાસ કરીને ઈશ્વરની ત્રિએકતા વિષે પ્રશ્નો પૂછયા હતા. “ પ્રભુની વાણી ” સાંભળવાની તેમની મહેચ્છા હતી. યોહાનની સુવાર્તાના આમુખ પર લાંબા આત્મિક મનન પછી સંદેહ થયેલા શબ્દ ઈસુને તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. તે નિર્ણય કર્યા પછી તેમણે કદી પાછું પગલું ભર્યું નહી. 

પોતે કરેલા નિર્ણય વિશે તેમણે કોઈને કંઈ જ કહ્યું ન હતું, પણ એક દિવસ મંટગમરીએ તેમની સાથે વાતચીતમાં એમ કહ્યું, “ અમારો તારનાર ” ( અમારા ખ્રિસ્તીઓનો તારનાર ) અબ્દુર રહેમાને કહ્યું, “ આપણો તારનાર એમ કહો; કારણ કે, પ્રભુ ઈસુ મારો પણ તારનાર છે . ” 

અબ્દુર રહેમાન ખ્રિસ્તી થવા માગે છે એમ જ્યારે બીજાઓએ જાણ્યું ત્યારે તરત જ વિરોધનો વંટોળ ઊઠયો પણ તેઓ દઢ રહ્યા અને તેમનું બાપ્તિસ્મા ૮ મી ઓકટોબર, ૧૮૪૩ માં થયું. તેઓ બુદ્ધિશાળી હતા અને ગુજરાતીમાં સારું લેખન અને વાંચન કર્યું હતું. તે હિંદુસ્તાની, પર્શિયન અને અરબી ભાષાઓ જાણતા હતા. તેમને પર્શિયન કવિઓની કવિતાઓનું સારું જ્ઞાન હતું. તેમના બાપ્તિસ્મા સામેના પ્રત્યાઘાતો વધતા જતા હતા. તેમના વૃદ્ધ પિતા અને તેમનાં કુટુંબને ધમકીઓ આપવામાં આવતી હતી અને તેમનું અપમાન કરવામાં આવતું હતું. તેમને પોતાને સતત ગાળો અને ધમકીઓ સહન કરવી પડતી. પોરબંદરની હિંદુ વસ્તી અને રાજય કરતા રાણા સાહેબે મુસ્લિમો સાથે હાથ મિલાવી ખ્રિસ્તી ધર્મ ફેલાવવા પ્રત્યે વિરોધ દર્શાવ્યો અને જંગલી, અસત્ય અફવાઓ ફેલાવવા માંડી. થોડાં વર્ષો બાદ ગાંધીજીએ આવી જ અફવાઓ સાંભળી હતી. વિરોધ એટલો બધો વધ્યો કે, તેમને માટે કોઈપણ ખ્રિસ્તી કાર્ય કરવું એ અશકય બની ગયું. 

એ સમય દરમ્યાન બીજા બાપ્તિસ્મા થયાં હતાં. મુનશીના બાપ્તિસ્માથી ઉત્તેજના પામી મંગમરીના ભીલ નોકર ભગવાનજીએ બાપ્તિસ્મા લીધું. તેને પણ તેના કુટુંબ અને મિત્રોનો ઘણો વિરોધ સહન કરવો પડયો. ૧૮૪૫ માં અબ્દુર રહેમાન અને તેમનાં ચાર સંતાનો- જેઓને તેમનાથી અલગ કરવામાં આવ્યાં હતાં, તેમને પણ ઘણી સતાવણી સહન કરવી પડી હતી - ના બાપ્તિસ્મા કરવામાં આવ્યા અને ૧૮૪૬ માં તેમના ૮૪ વર્ષના વૃદ્ધ પિતા પણ તેમની સાથે જોડાયા. થોડાં વર્ષોમાં આ પ્રખ્યાત મુસ્લિમ કુટુંબમાંથી ૧૩ વ્યક્તિઓ ખ્રિસ્તી થઈ હતી. 

આઈરિશ મિશનરીઓ અને પોરબંદરના ખ્રિસ્તીઓ માટે પોરબંદરના દ્વાર બંધ થઈ ગયાં ત્યારે પ્રભુએ સુરતનું દ્વાર ખોલ્યું. લંડન મિશનરી સોસાયટીએ તેનું સુરતનું કાર્ય સમેટી લેવાનો નિર્ણય કર્યો અને આઈ.પી.મિશનને તેનો હવાલો લેવાનું આમંત્રણ મળ્યું. આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો અને દેવળ, મિશન હાઉસ અને પ્રિન્ટિંગ પ્રેસ આઈ.પી.મિશનના હાથમાં આવ્યાં. ૧૮૪૭ થી પોરબંદરથી આ નવા કેન્દ્રની દેખરેખ રાખવા મંટગમરીની બદલી કરવામાં આવી. તેમની સાથે પોરબંદરથી મુનશી કુટુંબના મોટા ભાગના સભ્યો સુરત આવ્યા. ૪૦ વર્ષો સુધી, અબ્દુર રહેમાન સુરતમાં રહ્યા અને કાર્ય કર્યું. ૧૮૯૩ માં તેમનું મૃત્યુ થયુ. તે પ્રખ્યાત અને લોકપ્રિય સુવાર્તિક, લેખક અને ખ્રિસ્તી કુટુંબના વડા હતા. તેમની મોટી દીકરીનું લગ્ન રેવ.ધનજીભાઇ નવરોજજી સાથે થયું. મુંબઈમાંથી સ્કોટિશ મિશન દ્વારા ધર્માતર કરનાર તેઓ પ્રથમ પારસી હતા. તે સુરતમાં શ્રેષ્ઠ પાળકોમાંના એક હતા. તેમનાં સંતાનોએ ગુજરાત અને ભારતની મંડળીમાં આગેવાની પૂરી પાડી છે. મુનશીની નાની દીકરી આયેશા કે આશા કુંવારાં જ રહ્યાં. તેમણે પોતાનું જીવન બીજાઓની સેવા કરવામાં ગાળ્યું. આ ઓનરરી મિશન કામદાર સુરતમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા.


રાજકોટ અને સુરત 

જેમ્સ ગ્લાસગો રાજકોટમાં કાર્ય કરતા હતા, પ્રગતિ ધીમી હતી પણ થોડાં બાપ્તિસ્મા થયાં હતાં ખરાં. તેમાં ગોસાઈ કે ધાર્મિક સાધુ એવા કેશવરાવનું ૧૮૪૫ માં બાપ્તિસ્મા થયું. તેઓ આઈ.પી.મિશનના પ્રથમ હિંદી સુવાર્તિકોમાંના એક બન્યા. રાજકોટ પાસેનાં ગામોના ચૌહાણ જાતિના ચાર જણાનાં બાપ્તિસ્મા ૧૮૪૫ ના અંત પહેલાં થયાં હતાં. 

૧૮૪૪ માં LMS ( લંડન મિશનરી સોસાયટી ) નું કાર્ચ સુરતમાં ચાલતું હતું. બાઈબલના ભાગોનું ભાષાંતર કરવું, પત્રિકાઓ તૈયાર કરવી અને છાપવી જેવા મહત્ત્વનાં કાર્ય તેઓએ કર્યા હતા અને ખાસ તો ૧૮૪૦ માં સુરત ઇંગ્લિશ ઈન્સ્ટિટયૂટ શરૂ કર્યું હતું. ( હાલ તે આઈ.પી.મિશન બોયઝ હાઇસ્કૂલ, સુરત ) પણ મંડળીની બાબતમાં પરિણામ ઘણું નિરાશાજનક હતું. મિશન દેવળનો આકર્ષક કલાસિકલ પોર્ટિકો ( મકાન આગળની પરસાળ ) તેની મૂળ સ્થિતિમાં આજે પણ ઊભો છે. ૧૮૪૦ ના એપ્રિલમાં તે દેવળનું ઉદ્ ઘાટન થયું હતું. તેના મુખ્ય બાંધનાર એલેકઝાન્ડર ફેવી હતા. તે ૧૦ મી જૂને મૃત્યુ પામ્યા. તેમના ભાઈ વિલિયમ ફૈવી ૧૮૧૫ ના શરૂઆતના મિશનરીઓમાંના એક હતા. તેઓ ૧૮૩૯ માં જોડાયા હતા. તેમની સાથે જોડાનાર તેમના બે જુવાન સાથીઓ વિલિયમ કલાર્કસન અને વિલિયમ ફલાવર હતા. 

હેનરી એન્ટોન, ગિરધરભાઈ અને કુબેરભાઈ 

સુરત શહેરમાં ચાર પાંચ વર્ષની નિષ્ફળ મહેનત પછી કલાર્કસન અને ફલાવર નિરાશ થઇ ગયા અને તેમણે LMS ના ડાયરેકટરોને સૂચવ્યું કે, હવે તેઓ પોતાનું ધ્યાન ગામડાંઓ પર કેન્દ્રિત કરે, પણ ઓચિંતો એક બનાવ એવો બન્યો જેણે ગુજરાતની મંડળીના ઈતિહાસનો માર્ગ બદલી નાખ્યો. આ બનાવમાં કલાર્કસન “ ઈશ્વરની આંગળી ” જુએ છે. બે હિંદુઓ ગિરધરભાઈ રૂપજી અને કુબેરભાઈ આશારામ હાથમાં કેટલીક ખ્રિસ્તી પત્રિકાઓ કે ટ્રાકટો સાથે સુરતના દરવાજે આવ્યા અને મિશનરીઓના ઘર વિશે પૂછવા લાગ્યા. તેઓ કેવી રીતે આવ્યા તેની વાત ખૂબ રસિક છે. 

ઘણાં વર્ષો પૂર્વે ૧૮૦૬ માં એક અંગ્રેજ સૈનિક નિવૃત્ત થયા પછી સેંકડો માઇલ દૂર મધ્ય ભારતના શહેર નાગપુરમાં રહેતા હતા. તે દુકાળનો સમય હતો. એક દિવસ એક મરાઠી કુટુંબ તેમના દ્વારે ભીખ માગવા આવ્યું. તેમની સાથે લગભગ ૬ વર્ષની ઉંમરનો એક નાનો છોકરો હતો. તેમણે તેને ભીખ માગતા શીખવ્યું હતું અને હવે તેઓ તેને વેચી નાખવા માગતા હતા. આ સૈનિકે છોકરાને એક રૂપિયામાં વેચાતો લીધો. તેને પોતાને ઘેર રાખ્યો અને તેનું નામ પાડયું હેનરી એન્ટોન. થોડા સમય પછી એક લશ્કરી અધિકારીએ તેને જોયો અને તેના શિક્ષણને માટે ખર્ચ આપવા કહ્યું. તે છોકરો હોશિયાર નીકળ્યો અને ભણી રહ્યા પછી નાગપુરની એક ખ્રિસ્તી શાળામાં શિક્ષક બન્યો. એક દિવસ કેટલાક બેપ્ટિસ્ટ મિશનરીઓ સિરામપોરથી નાગપુર આવ્યા. તે દિવસોમાં ત્યાં મિશન કેન્દ્ર ન હતું. હેનરી એન્ટોન તેમના સંપર્કમાં આવ્યા. વાતચીત દ્વારા તે ઉત્સાહી વિશ્વાસી બન્યા. પછી તે નાગપુરના બ્રિટિશ રેસિડેન્સીમાં કલાર્કની નોકરીમાં જોડાયા. તેમણે પોતાના નવરાશના સમયમાં એક શાળા શરૂ કરી અને છોકરાઓને ખ્રિસ્તી શિક્ષણ આપવા લાગ્યા. પોતાના ઘરમાં રવિવારની ભક્તિસભા શરૂ કરી. તે હવે સિરામપોરના મિશનરીઓના સંપર્કમાં રહેવા લાગ્યા. 

૧૮૪૪ માં એન્ટોન બરોડા ગયા અને ત્યાંના બ્રિટિશ રેસિડેન્સીમાં, કેમ્પમાં રહી ત્યાં તે હેડકલાર્કનું કાર્ય કરતા હતા. વડોદરાથી સુરતમાં કલાર્કસના સાથે પત્રવ્યવહાર કર્યો અને કેટલીક પત્રિકાઓ મેળવી. રજાના અને રવિવારના દિવસે તે પત્રિકાઓ આસપાસના ગામોમાં તે વહેંચતા, પોતાની બગીમાં જતા અને પોતાની શક્તિ મુજબ સુવાર્તા પ્રગટ કરતા. તેમને ગુજરાતી સારું આવડતું હતું. એન્ટોન પત્રિકાઓ વહેંચતા હતા. તેમાંની એક પત્રિકા હતી “ ખ્રિસ્તના રાજ્યની આજ્ઞાઓ ” સુરતના LMS ( લંડન મિશનરી સોસાયટી ) મિશનરીઓએ તે લખી અને છપાવી હતી. તેમાંની એક નકલ આંકલાવના ગિરધરભાઇ રૂપજીના હાથમાં આવી. તે કલાલ કોમના હતા. આ જુવાન માણસ પોતાના મિત્ર કુબેર સાથે ખેડા જિલ્લાના કાનવાડી ગામથી ખ્રિસ્તી મિશનરીઓ પાસે સુરત પગપાળા જવા નીકળ્યા. તેઓ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. તેમણે માગીઓની વાર્તા વાંચી હતી. તેમને સુરત જતાં એક ધૂમકેતુ દેખાયો. તેમને લાગ્યું કે તે નવા સ્વરૂપમાં દર્શન કરાવનાર દૂત છે. 

કલાર્કસને ખૂબ આનંદથી તેમનો આવકાર કર્યો. તેમણે તેમના ગામની મુલાકાત લેવાનું વચન આપ્યું. થોડા સમય પછી તે સુવાર્તિક ગંગારામ સાથે મહી કાંઠાના દહેવાણ ગામે ગયા.

આપણે જાણીએ છીએ તેમ કલાર્કસને સુરતને છેલ્લી સલામ કરતી વખતે શહેરના દરવાજા પાસે ઊભા રહી તે સ્થળની તેમના પગ પરની ધૂળ ખંખેરી નાખી. બાઈબલના આદેશને તેઓ અક્ષરશઃ અનુસર્યા. ( લૂક ૯ : ૫ ) વડોદરામાં તેમણે જોયું કે, શોધકોને એન્ટોન શિક્ષણ આપતા હતા અને રવિવારે ૨૪ મી નવેમ્બર, ૧૮૪૪ ના રોજ તેઓનાં બાપ્તિસ્મા કલાર્કસનના હસ્તે થયાં. કલાર્કસન લખે છે, “ ઓ પ્રભુ, આ દિવસ તારી મંડળીના ઈતિહાસમાં સદા યાદ રહો ! આ દેશમાં સર્વત્ર આજથી આત્માનો અગ્નિ સળગતો રહો ! ” ગુજરાતની ખ્રિસ્તી મંડળીના ઇતિહાસમાં આ પ્રસંગ ખરેખર સીમાચિન્હ હતો, કારણ કે મહીકાંઠા વિસ્તારમાં મંડળી દઢપણે વૃદ્ધિ પામતી. હતી. કલાર્કસને એક વર્ષના સમયમાં પ૬ પુખ્ત વયની વ્યક્તિઓને બાપ્તિસ્મા આપ્યાં હતાં. અને ત્યારથી વૃદ્ધિ સતત ચાલુ જ રહી. પ્રભુની દૃષ્ટિમાં આ પ્રવૃત્તિમાં મુખ્ય સાધન એન્ટોન હતા, જેમને વરસો પહેલાં અનાથ ગણી એક રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. 

મહીકાંઠા મિશન 

કલાર્કસન અને ફલાવર થોડા સમય પહેલાં સુરતમાં તેમના કાર્યનો સારો પ્રત્યુત્તર ન મળવાથી હતાશ થયેલા. તેઓને વડોદરાના અને આસપાસના ગામોમાં મળેલી સારી તકોથી ખૂબ ઉત્તેજન મળ્યું. તેઓ ૧૮૪૪ ના ચોમાસા પછી વડોદરા આવ્યા. કલાર્કસન બ્રિટિશ કેમ્પ વિસ્તારમાં ત્રણ વર્ષ રહ્યા. મિશનરી કાર્ય ઉપરાંત તેઓ સેંટ જેમ્સ એંગ્લિકન દેવળમાં નિયમિત ઉપદેશ આપતા હતા. તેમનો મોટાભાગનો સમય મહી નદીના કિનારાનાં ગામોની મુસાફરીમાં વીતતો, તે તંબુઓમાં રહેતા અને તક મળે ત્યાં ઉપદેશ કરતા. ક્રમે ક્રમે નાની ખ્રિસ્તી વસ્તી વધવા લાગી, સાથે વિરોધ પણ વધવા લાગ્યો અને અન્યધર્મી લોકો ખ્રિસ્તી ધર્મ એ અનિષ્ટનું મૂળ છે એ દૃષ્ટિએ જોવા લાગ્યા. જુદા જુદા સંપ્રદાયો અને જ્ઞાતિઓના ગૌરવ વિશે તેઓ ગોટાળા ઊભા કરે છે. એમ બિનખ્રિસ્તી લોકો માનતા હતા. વિશ્વાસી ખ્રિસ્તીઓ, જેઓ ઉચ્ચ કોમમાંથી આવ્યા હતા તેમની વિવિધ રીતે સતાવણી થવા લાગી. તેમને જાહેર કૂવામાંથી પાણી ભરવાની મના કરવામાં આવી. છોકરાઓને મા - બાપથી છૂટા પાડવામાં આવ્યાં અને સ્ત્રીઓએ પોતાના પતિઓને મૂકી દીધા. ગાયકવાડના પ્રદેશમાં બ્રિટિશ પ્રદેશ કરતાં ખ્રિસ્તી વિરોધી લાગણી વધુ તીવ્ર હતી, કલાર્કસન અને જે.વી.એસ. ટેલર વડોદરામાં શાળા શરૂ કરી. તેને પખવાડિયામાં જ ગાયકવાડના નામે બંધ કરાવી દેવામાં આવી. નાર ગામના એક ખ્રિસ્તીને તેના પોતાના ભાઇઓની અરજી લક્ષમાં લઇ જેલમાં પૂરવામાં આવ્યો. ભાઇઓને એ બીક હતી કે, જો અમે કોઇ પગલાં નહીં લઇએ તો લોકો અમને નાતબહાર મૂકશે. 

મહીકાંઠા મિશનના શરૂઆતના દિવસોમાં એક પ્રખ્યાત માણસ ખ્રિસ્તી થયા ને તે દેસાઇ ખોડાઇદાસ હતા. તેઓ સિસ્વા ગામના મુખી અને પૈસાદાર પાટીદાર હતા. વડોદરા ગાયકવાડ સરકારના તેઓ મહેસૂલ ઉઘરાવનાર અધિકારી હતા. તેઓ શૈવધર્મી હતા અને શાંતિની શોધમાં સંન્યાસી થવું જેવા ઘણાં કાર્યો તેમણે કર્યા હતાં. સુવાર્તિક ગંગારામ પાસેથી મળેલ ટ્રાકટે - પત્રિકાએ તેમને કલાર્કસનને મળવાની પ્રેરણા આપી. પછી તો તેઓ રોજ શિક્ષણ માટે જતા અને ખ્રિસ્તી વિશ્વાસનું સત્ય તેમને વધુ અને વધુ સમજાતું ગયું. તેમણે કહ્યું, “ મેં વારંવાર ધર્મતીર્થોની જાત્રા કરી હતી, એક પછી એક ધર્મ પંથો જોયા. એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે હું જ્ઞાન માટે ગયો, પણ તમે જે કહો છો તે સત્ય છે અને તે માટે હું મારું સર્વસ્વ તજી દેવા તૈયાર છું. ” તેમણે તેમ કર્યું તેથી તેમને ભારે સતાવણીનો સામનો કરવો પડયો. તેમને નાતબહાર મૂકવામાં આવ્યા. સરકારી નોકરી ગુમાવવી પડી. તેમનાં પત્ની અને બાળકોના અપહરણ કરવામાં આવ્યાં. તેમને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તેમના નિદોર્ષ મિત્ર, જેમણે દેસાઇનો કોટ પહેર્યો હતો તેમને ભૂલથી મારી નાખવામાં આવ્યા. છતાં પણ તેઓ અડગ રહ્યા છેવટે તેમની હિંમતભરી સાક્ષીની જીત થઇ. તેમના પર હુમલો કરવાની પ્રેરણા આપનાર વ્યક્તિ પ્રભુ પાસે આવી. દેસાઇને પ્રભુના વિશ્વાસને લીધે વારસાગત મિલકત ગુમાવવી પડી. તેઓ ઉપદેશક બન્યા અને બોરસદ અને આણંદના હરિજનોમાં કાર્ય કર્યું. હરિજનોમાં મોટી ધર્મ જાગૃતિ લાવવામાં તેઓ સાધનરૂપ બન્યા. તેમના જીવનમાં છેલ્લા વર્ષો તેમણે અમદાવાદની પાસેના ખ્રિસ્તી ગામ રાણીપુરમાં ગાળ્યાં હતાં. તેમનાં સંતાનો અને વંશજોએ ગુજરાતની ખ્રિસ્તી મંડળીમાં સારી આગેવાની પૂરી પાડી છે. 


‘ ( ગુજરાતની ખ્રિસ્તી મંડળીનો ઈતિહાસ ’ - પુસ્તકમાંથી આભાર સાથે લેવામાં આવ્યું છે )

- Thank You, Praise the Lord.

2 Comments

Post a Comment
Previous Post Next Post