ખ્રિસ્તી જીવનમાં શ્રેષ્ઠ શું છે ?
(What is best in the Christian life?) || Gujarati Christian Message ||
"વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જાય; જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ." (ફિલિપીઓને પત્ર 1:9-10)
આજનાં સમયે દરેક માનવ પોતાના જીવન માટે દરેક બાબતોમાં શ્રેષ્ઠ વાનાંની પસંદગી કરે છે. પોતાનાં શરીરને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરવાનો સંઘર્ષ કરે છે. શારીરિક જીવન માટે Best/Perfect અથવા ઉત્તમ બાબતોની વધુ ચર્ચા થાય છે. ઉદા. તરીકે કોઈ વસ્તુ લેવાનું થાય તો શ્રેષ્ઠ/બેસ્ટ વસ્તુ લેવી. નવા કપડાં લેવા હોય તો સારામાં સારાં કપડાંની પસંદગી, ખાવાની બાબત હોય તો શ્રેષ્ઠ ડીસ (વાનગી) ઓર્ડર કરવી. પૈસા ભલે ખર્ચાય, મોંઘું મળે તો પણ શ્રેષ્ઠ વસ્તુ જ લેવી. આજે દરેક કંપની બેસ્ટ પ્રોડક્ટ બનાવવામાં ધ્યાન આપે છે. આ બધી બાબતો તો બાહ્ય રીતે છે અથવા તો ફક્ત શારીરિક જીવન માટે. પણ ખ્રિસ્તી (વિશ્વાસી) તરીકે આપણાં આત્મિક જીવનની શ્રેષ્ઠતા વિશે શું ?
"કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે; પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર [મન લગાડે છે]." (રોમનોને પત્ર 8:5)
શારીરિક બાબતોમાં તો આપણે મન લગાડીએ છીએ પણ શું આત્મિક બાબતો પર મન લગાડીએ છીએ ? શું આત્મિક જીવનની શ્રેષ્ઠતાને મહત્વ આપીએ છીએ ?
પ્રેરિત પાઉલ મંડળીને પ્રભુનાં જ્ઞાન, બુદ્ધિ, પ્રેમમાં ઉત્તરોત્તર વધવાની પ્રાર્થના કરે છે અને શું શ્રેષ્ઠ છે તેની પરખ કરવાનું કહે છે. આજે આપણે તેની પારખ કરીએ જે આપણાં આત્મિક જીવન માટે શ્રેષ્ઠ છે.
નીચેની છ શ્રેષ્ઠ બાબતોનો વિચાર કરીએ.
1. યહોવા પરમેશ્વર શ્રેષ્ઠ છે.
2. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ છે.
3. પ્રભુનું જ્ઞાન શ્રેષ્ઠ છે.
4. પ્રભુનું અજવાળું શ્રેષ્ઠ છે.
5. પ્રભુ સાથેની સંગતિ શ્રેષ્ઠ છે.
6. જિંદગી પર્યંત આનંદ કરવો અને ભલું કરવું શ્રેષ્ઠ છે.
2. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ છે.
3. પ્રભુનું જ્ઞાન શ્રેષ્ઠ છે.
4. પ્રભુનું અજવાળું શ્રેષ્ઠ છે.
5. પ્રભુ સાથેની સંગતિ શ્રેષ્ઠ છે.
6. જિંદગી પર્યંત આનંદ કરવો અને ભલું કરવું શ્રેષ્ઠ છે.
(1). યહોવા પરમેશ્વર શ્રેષ્ઠ છે.
"હે યહોવા, તું આખી પૃથ્વી પર પરાત્પર છે; તું સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છે." (ગીતશાસ્ત્ર 97:9)
આખાં જગતનાં પરાત્પર (પરમપ્રધાન) છે યહોવા પરમેશ્વર. તે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છે. આ જગતનાં દેવો તો ફક્ત મૂર્તિઓ જ છે, એ તો માણસે પોતાના હાથે બનાવેલી રચના પણ યહોવા પરમેશ્વર તો આખી સૃષ્ટિના સર્જનહાર. માટે યહોવા પરમેશ્વર જ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. ગીતશાસ્ત્ર:115,135 અધ્યાયમાં જગતનાં દેવોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેઓને મોઢું છે પણ બોલતા નથી, આંખો છે પણ દેખતા નથી, કાન છે પણ સાંભળતા નથી, નાક છે પણ સૂંઘતાં નથી, હાથ-પગ છે પણ ઉપયોગ કરી શકતા નથી. તેઓ તો ફક્ત મૂર્તિઓ જ છે. પણ યહોવા પરમેશ્વર આખાં જગતનાં સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છે. યશાયા:46:5,9 માં પ્રભુ કહે છે, તમે કોની સાથે મને સરખાવશો, ને કોનો બરાબરિયો મને કરશો ? પ્રભુ કહે છે, મારા જેવો બીજો કોઈ નથી. માટે શ્રેષ્ઠ યહોવા પરમેશ્વરને ધન્યવાદ આપીએ.
(2). પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ છે.
"ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા, અને સર્વ નામો કરતાં તેમણે તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ નીચેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે." (ફિલિપ્પી:2:9-10)
પ્રભુ પોતે માનવરૂપ ધારણ કરી આ જગતમાં આવ્યા અને સર્વ માનવજાતિ માટે બલિદાન આપી પરમેશ્વરે મરણમાંથી જીવતા ઉઠાડી સર્વ અધિકાર આપી આ જગતમાં એક શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું જે છે ઈસુ ખ્રિસ્ત. પ્રે.કૃ.4:12 - ઈસુના નામમાં તારણ છે, પ્રે.કૃ.10:43 - ઈસુના નામમાં પાપોની માફી છે, યોહાન:1:12- તેના પર વિશ્વાસ કરવાથી દીકરા/દીકરી થવાનો અધિકાર, યોહાન:20:31- ઈસુ ખ્રિસ્તથી અનંતજીવન છે. તેના નામથી સજાપણું છે. માટે આપણાં જીવન માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ છે.
(3). પ્રભુનું જ્ઞાન શ્રેષ્ઠ છે.
"કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ."(નીતિવચનો 8:11)
જ્ઞાન ખૂબ જ કિંમતી વસ્તુઓ કરતાં પણ મૂલ્યવાન છે. પણ કયું જ્ઞાન ? આ જગતમાં તો સર્વ પ્રકારનું જ્ઞાન છે અને આજે લોકો આ જગતનાં જ્ઞાનની પાછળ જાય છે. આ જગતનું જ્ઞાન આત્મિક વ્યક્તિને નાશ તરફ લઈ જાય છે. હોશિયા:4:6- અજ્ઞાનતાના હિસાબે લોકો નાશમાં જઈ રહ્યા છે. નીતિ:3:13-14 જેઓને જ્ઞાન મળે છે તેઓને ધન્ય છે, જ્ઞાનનો લાભ શ્રેષ્ઠ છે. જેવુ જ્ઞાન સુલેમાને પ્રભુ પાસે માંગ્યું. જે જ્ઞાન વિશે બાઈબલમાં લખાયું છે. માટે બાઈબલના વચનો આપણાં માટે શ્રેષ્ઠ છે. તેથી રોજ બાઇબલના વચનોનું વાંચન અને મનન કરીએ.
(4). પ્રભુનું અજવાળું શ્રેષ્ઠ છે.
"ત્યારે મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે." (સભાશિક્ષક 2:13)
અજવાળું અંધકાર કરતાં શ્રેષ્ઠ છે. અજવાળું તો એક સારાં જીવનનું ચિત્ર છે જ્યારે અંધકાર દૃષ્ટ જીવનનું. પ્રભુએ આપણને અજવાળારૂપ (પ્રકાશમય) જીવન જીવવા માટે તેડ્યા છે. યોહાન:8:12 - "ઈસુએ કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” ખરું અજવાળું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે આપણે આપણું જીવન પ્રભુને સોંપીએ છીએ, તેના નામ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ ઇસુનું અજવાળું આપણને આપવામાં આવે છે. તમે જગતનું અજવાળું છો. (માથ્થી:5:14) માટે અજવાળુંને ધારણ કરીએ, અંધકારના કામો ત્યજીને પ્રકાશના હથિયારો સજી લઈએ. (રોમ:12:12) અજવાળારૂપી સત્યને ધારણ કરીએ જે આપણાં માટે શ્રેષ્ઠ છે.
(5). પ્રભુ સાથેની સંગતિ શ્રેષ્ઠ છે.
"કેમકે હજાર દિવસો કરતાં તારા આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે." (ગીતશાસ્ત્ર:84:10)
વિશ્વાસી તરીકે પ્રભુની સાથે આપણી સંગતિ હોવી ખૂબ જ જરૂરી છે. જો નથી તો ફક્ત નામ પૂરતા જ વિશ્વાસી. પ્રભુની સાથે સંગતિ કરવી એતો શ્રેષ્ઠ બાબત છે. હજાર દિવસો કરતાં પ્રભુની સાથે એક દિવસ શ્રેષ્ઠ છે. વિશ્વાસી તરીકે (આત્મિક વ્યક્તિ તરીકે) ત્રણ પ્રકારની સંગતિ રાખીએ.
- દેવની સાથે સંગત (વ્યક્તિગત રીતે)
- વિશ્વાસીઓની સાથે સંગત (મિત્રતા રીતે)
- મંડળીની સાથે સંગત (આત્મિક ઘર રીતે)
(6). જિંદગી પર્યંત આનંદ કરવો અને ભલું કરવું શ્રેષ્ઠ છે.
"હું જાણું છું કે, પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી." (સભાશિક્ષક:3:12)
વિશ્વાસી જીવનનો એક હેતુ છે કે આપણે આનંદિત જીવનનો લાભ લઈએ.પાઉલ પ્રેરિત પ્રભુમાં સદા આનંદ કરવાનું કહે છે. આનંદની સાથે સાથે વિશ્વાસીએ ભલાઈનું કાર્ય કરવું પણ ખૂબ જરૂરી છે. આપણું જીવન એક બીજાની સેવા કરવામાં સમર્પણ કરીએ. ભલો સમરૂનીની જેમ આપણાં પડોશીની મદદ કરીએ. એ જ આપણાં જીવનની શ્રેષ્ઠતા છે.
પ્રેમાળ સ્વર્ગીય ઈશ્વરપિતા આ વચનો પ્રમાણે ચાલવા સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં, આમીન.
- Rejoice in Jesus