ખ્રિસ્તી એક એવો શબ્દ છે કે જે અંત્યોખની પુરાતન મંડળીમાં ચલણમાં આવ્યો હતો. “શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા” (પ્રે.કૃ.11:26). એ કારણે આપણે વાંચતી વખતે ખ્રિસ્તીઓ નામનો ઉપયોગ કરીએ
છીએ.
આપણે જયારે “ખ્રિસ્તી” શબ્દનો
ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે આપણને પ્રેરિતોની યાદ દેવડાવવામાં આવે
છે કે જેઓ હમેશાં ઈસુ ખ્રિસ્તની સાથે રહેતા હતા. પુરાતન પ્રેરિતોના સમયગાળામાં, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનાર બધા જ વિશ્વાસીઓને શિષ્યો
તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રે.કૃ. 1:15 માં આપણે વાંચીએ છીએ કે, “તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો
ભેગાં હતાં) પિતર ઊભો થયો.” શિષ્યોની
સંખ્યા 120 થી
વધીને 3000 થી 5000 ની થઈ હતી. પ્રે.કૃ. 6:1 કહે છે કે, “તે
દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી..” અને
પ્રે.કૃ. 6:7 કહે છે કે, ....શિષ્યોની
સંખ્યા ઘણી વધી ગઈ.” પાઉલની મારફતે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનાર લોકો શિષ્યો તરીકે ઓળખાયા
હતા.
શિષ્ય કોણ છે ?
શિષ્ય માટેનો મૂળભુત શબ્દ ગ્રીક ભાષામાં ‘મેથેટીસ’ છે, જેનો
અર્થ ‘શીખનાર’ / વિદ્યાર્થી
થાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, પોતાના
ગુરુ (શિક્ષક) ની પાછળ ચાલનાર વ્યક્તિને શિષ્ય કહેવામાં આવે છે. તેથી, આપણે
જેઓ આપણા સ્વર્ગીય પિતાની પાછળ ચાલીએ છીએ, તેઓએ
શિષ્યો તરીકે પોતાની ઓળખ આપવી જોઈએ. માથ્થી 28:19 માં આપણે મહાન આદેશમાં વાંચીએ છીએ
કે, ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે, “તમે
જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો...” શિષ્યની
લાક્ષણિક્તાઓ કઈ કઈ છે? એ સંબંધી
ઈસુએ જે કહ્યું હતું, તેની ચર્ચા
આપણે કરીએ.
(1) શિષ્ય પોતાનો પ્રથમ પ્રેમ ખ્રિસ્ત પ્રત્યે
પ્રગટ કરે છે.
શિષ્યની મૂળભુત લાયકાત તો એ છે કે તે અન્ય બીજી
કોઈ પણ વિશેષ મહત્ત્વપૂર્ણ બાબત કરતાં ખ્રિસ્ત પર પ્રેમ કરવાની બાબતને પ્રથમ સ્થાન
આપે છે. લૂક 14:26 માં
ઈસુ કહે છે કે, “જો કોઈ મારી પાસે આવે, અને
પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો
તથા બહેનોનો, હા, પોતાના
જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શક્તો નથી.” જો
એમ હોય, તો શું એનો અર્થ એવો થાય કે આપણે
દરેક જણનો ત્યાગ કરી દેવો જોઈએ? ના!
શિષ્ય અન્ય લોકો કરતાં ઈસુ પર વધારે પ્રેમ રાખતો હોય છે. કાઉન્ટ ઝીનઝેન
ડોર્ફ નામનો એક જુવાન માણસ એક એવા કલા પ્રદર્શનની મુલાકાતે ગયો હતો કે જ્યાં તેણે ઈસુનું એક ચિત્ર જોયું
હતું, જેની નીચે આ પ્રમાણે લખવામાં
આવ્યું હતું કે, “હું તારે કાજે મરણ પામ્યો. તેં
મારે માટે શું કર્યું ?” એ
ચિત્ર અને એ કલમને કારણે તેના જીવનમાં એક બહુ મોટું અને નોંધપાત્ર પરિવર્તન આવ્યું, અને
તેથી તેણે પોતાનું જીવન ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરી દીધું. તે એ જ માણસ હતો કે જેણે
1727માં “કોઈપણ બાબત માટે તૈયાર રહો” મુદ્રાલેખ સાથે મોરેવિયન સંસ્થા શરૂ કરી
હતી. આ સંસ્થા આખી દુનિયામાં મિશનરીઓ મોકલે છે. પ્રભુએ પિતરને પૂછ્યું, “શું તું
મારા પર પ્રેમ રાખે છે?” જે કોઈ વ્યક્તિ આ પ્રશ્નને આધીન થઈને ઈસુ ખ્રિસ્તની અપેક્ષાઓ પ્રમાણે જીવન
જીવે છે, તે જ ખરો
શિષ્ય છે.
(2) શિષ્ય પોતાની જાતનો નકાર કરે છે.
શિષ્યએ પોતાની જાતનો નકાર કરવો જોઈએ, માથ્થી 16:24માં ઈસુ કહે છે કે, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો.” 1 કરિંથી 10:33માં પાઉલ કહે છે કે, “...મારું પોતાનું નહિ...” ઈ.સ. 1209માં ફ્રાન્સીસ ડી
આસિસીએ પોતાની પાસે જે કંઈ હતું, એ દરેક બાબતનો ત્યાગ કર્યો અને પોતાના જીવનની મૂળભુત બાબત તરીકે નમ્રતા અને
પવિત્રતા સાથે તેઓ ઈસુ ખ્રિસ્તની જેમ જીવન જીવ્યા હતા.
સી. એસ. લૂઈસે લખ્યું હતું કે, “આપણે
જયારે આપણો સ્વાભાવિક સ્વાર્થ અને આપણી ઈચ્છાઓ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરી દઈએ છીએ, ત્યારે
તે આપણને નવું જીવન આપે છે.” ઈસુએ “તેમની
પોતાની મુક્ત ઈચ્છાનો ત્યાગ કર્યો, તેમની
પાસે જે કંઈ હતું, એ બધું તેમણે
સમર્પી દીધું અને એક દાસનું રૂપ ધારણ કર્યું.” જો
કોઈ વ્યક્તિ તેનો પોતાનો સ્વાભાવિક સ્વાર્થ એટલે કે હું, મને
અને મારું, નો ત્યાગ કરે, તો
તે એક પ્રામાણિક શિષ્ય બને છે.
(૩) શિષ્યએ દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને
ચાલવું જોઈએ.
દરેક શિષ્યની ત્રીજી લાક્ષણિકતા એ છે કે તે
દૈનિક જીવનમાં પોતાનો વધસ્તંભ ઊંચકીને ચાલતો હોય છે (લૂક 9:23). જો
વ્યક્તિએ ખ્રિસ્તના એક શિષ્ય બનવાનો નિર્ણય કર્યો હોય, તો
તેણે પોતાની રાજીખુશીથી કસોટીઓ, સંકટો
અને સતાવણીઓનો સ્વીકાર કરવા માટે તૈયાર રહેવું જ પડે. વ્યક્તિએ એ બાબતની અપેક્ષા
રાખવી પડશે કે તેણે ખ્રિસ્તને ખાતર સહન કરવું પડશે અને એ દુઃખો સહન કરવામાં તેણે
ખુશીનો પણ અનુભવ કરવો જોઈએ. ગલાતી 5:24માં પાઉલ કહે છે કે, “જેઓ
ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ
સુધ્ધાં વધસ્તંભે જડ્યો છે.” વૃદ્ધાવસ્થા, પથારીવશ
માંદગી અને ચાલી ન શકવાની અવસ્થા મધ્યે પણ એમી કારમાઈકલે ધીરજથી પોતાનાં દુઃખો સહન
કર્યા અને પોતાના છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરનું સેવાકાર્ય ચાલુ રાખ્યું હતું.
આપણે જયારે ઈશ્વરની ઈચ્છા તથા તેમના
સેવાકાર્યને પરિપૂર્ણ કરીએ છીએ, ત્યારે
આપણે કસોટીઓ, દુઃખ-પીડાઓ અને સતાવણીઓનો સામનો કરવો પડે છે. આ બાબતને જ
વધસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે કે જેને આપણા પર, આવવા
દેવાની પરવાનગી ઈશ્વરે આપી છે. જો આપણે ઈશ્વરના શિષ્યો બનવાની ઈચ્છા રાખીએ છીએ, તો
આપણે આપણો વધસ્તંભ ઊંચકવો જ પડશે. વધસ્તંભ ઊંચકીને ચાલનારા આવા શિષ્યો જ બલિદાન આપનાર
શિષ્યો છે.
(4) શિષ્ય ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે.
શિષ્ય પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈસુ
ખ્રિસ્તની પાછળ ચાલે છે. અને ઈસુ જયારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમણે દાણની
ચોકી આગળ બેઠેલા માથ્થીને જોયો અને તેમણે તેને પોતાની પાછળ આવવા માટે જણાવ્યું.
અને માથ્થી ઊઠીને ઈસુની પાછળ ગયો (માથ્થી 9:9). લુક 14:27માં
ઈસુ કહે છે કે, “જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને
મારી પાછળ આવતો નથી, તે મારો
શિષ્ય થઈ શકતો નથી.” જે લોકો
ઈશ્વરના રાજ્યનું મૂલ્ય સમજે છે, એ
લોકો જ ઈશ્વરના લોકો તરીકે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો નિર્ણય કરતા હોય છે. એટલા
માટે જ યાકૂબ અને યોહાન પોતાની હોડીઓ અને માતાપિતાનો ત્યાગ કરીને ઈસુ ખ્રિસ્તની
પાછળ ગયા હતા. સી.ટી. સ્ટડ ઈશ્વરના તેડાના મૂલ્યને સમજતા હતા અને તેમણે ઈશ્વરના
રાજ્યને ખાતર પોતાની અઢળક સંપત્તિનો ત્યાગ કર્યો હતો. તેમની પત્ની ચાર્લી માટે અલગ
રાખી મૂક્લી રકમ પણ તેમની પત્નીએ પૃથ્વી પર ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે આપી દીધી
હતી. અને એ બંને જણાએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને સેવાકાર્ય અર્થે ચીનની
મુસાફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈસુ ખ્રિસ્તની પાછળ હિંમતપૂર્વક ચાલનાર વ્યક્તિને જ ઈશ્વરના પ્રયોજન
માટેનો બહાદુર શિષ્ય કહેવાય.
(5) શિષ્યએ ખ્રિસ્તને ખાતર ફળ ઉપજાવવા જોઈએ.
શિષ્યની બીજી એક નોંધપાત્ર લાક્ષણિક્તા એ હોય છે
કે તેણે પોતાના જીવનમાં ખ્રિસ્તને ખાતર ફળ ઉપજાવવું જોઈએ (યોહાન 15:8).
શિષ્યએ અન્ય શિષ્યોને ઈસુ ખ્રિસ્તની તરફ લાવવાનું કાર્ય કરવાનું હોય છે. આવી
વ્યક્તિઓ ગલાતી 5:22-23 માં વર્ણવવામાં આવેલાં આત્માનાં
ફળો ઉપજાવે છે. તિતસ 3:14 માં પાઉલ લખે છે કે, “વળી
આપણા લોકો નિરૂપયોગી ન થાય, માટે તેઓ
જરૂરના ખરચને સારૂ સારા ધંધારોજગાર કરવાનું શીખે.” જો
વ્યક્તિ પોતાના સમગ્ર જીવનમાં એક શિષ્ય બનવા માટે પોતાની જાતને સમર્પિત કરતો હોય, તો
તેણે પોતાના રહેવાના કે નોકરી ધંધાના સ્થળે, નજીકનાં
કે દૂરનાં સ્થળોએ ખ્રિસ્તને ખાતર ફળ ઉપજાવનાર બનવું જોઈએ...
ભારતને શિષ્યોની જરૂર છે.
આપણા શરૂઆતના મિશનરીઓમાંના એક મિશનરી હમેશાં
એવું કહેતા હતા કે એફએમપીબીને સમર્પિત વ્યક્તિઓની જરૂર નથી, પરંતુ
સમર્પિત શિષ્યોની જરૂર છે. હા! એ વાત સાચી પણ છે. આપણા દેશમાં સુવાર્તા પ્રચાર માટેનાં દ્વાર જ્યારે
ધીમેધીમે બંધ થઈ રહ્યાં છે, ત્યારે શું
આપણે જે ભારત દેશમાં રહીએ છીએ, ત્યાં
ખ્રિસ્તને માટે સાક્ષીરૂપ જીવન જીવનારા વફાદાર શિષ્યો બનવું ન જોઈએ? તેનો
જવાબ દ્રઢ અને
મક્કમ જવાબ હા' હોવો જોઈએ.
– રેવ. જોન ડેવીડ રાજ (FMPB)