વધસ્તંભ તરફ પાછા ફરો. Gujarati Christian Message

 ✞  વધસ્તંભ તરફ પાછા ફરો  ✞

Vadhastambh taraf pacha aavo image

ધસ્તંભ તરફ પાછા આવ્યા વગર વ્યક્તિ પુનરૂત્થાન પામેલ ખ્રિસ્ત સાથેના ઐક્યમાં જોડાઈ શકે નહિ. તેનું કારણ એ છે કે આપણો ખ્રિસ્તી ધર્મ ક્રૂસારોહણ અને એ પછીના ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાન પર આધારિત છે. વધસ્તંભ તો ખ્રિસ્તી ધર્મનો ચાવીરૂપ મુદ્દો છે. ખ્રિસ્તના વધસ્તંભ વગરનો ખ્રિસ્તી ધર્મ હોઈ શકે જ નહિ. વધસ્તંભ અને ખ્રિસ્તી જીવનને આપણે અલગ પાડી શકતા નથી. ખ્રિસ્તી ધર્મએ કોઈ ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, સંવેદનાત્મક ઊભરા સહિતનો (પરવશ) માર્ગ નથી, પરંતુ એ તો વધસ્તંભનો માર્ગ છે. ખ્રિસ્તીઓ તરીકે આપણે જે કંઈ માનીએ છીએ, એ તો ખ્રિસ્તના વધસ્તંભમાં લપેટાયેલું હોય છે.

1. વધસ્તંભ ઊંચકવા માટે આપણને તેડવામાં આવ્યા છે:

    ઈસુ કહે છે કે, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું” (લૂક 9:23). ખ્રિસ્તની શાળાનો પ્રથમ પાઠ તો સ્વનકારને લગતો છે. પરંતુ આજે ઘણાં ખ્રિસ્તીઓ એવા છે કે જેઓ ખ્રિસ્તને પસંદ કરતા હોય છે, પરંતુ ખ્રિસ્તના વધસ્તંભને પસંદ કરતા નથી. કેટલાક ખ્રિસ્તીઓ ખ્રિસ્તના પુનરૂત્થાનને પ્રથમ આપતા હોય છે, પરંતુ ખ્રિસ્તના વધસ્તંભનો નકાર કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો તો વધસ્તંભ પર ખ્રિસ્તે આપણા માટે જે કાર્ય કર્યું છે,  તેના વિષે જ વિચાર કરીને તેની ઉજવણી કરતા હોય છે, પરંતુ તેઓ પોતાના વધસ્તંભો ઊંચકીને ખ્રિસ્તની પાછળ ચાલવા માટે રાજી હોતા નથી. આજના સમયના ખ્રિસ્તી જગતમાં આ જૂથના લોકો બહુમતીમાં છે. એટલા માટે જ સંત પાઉલે એ બાબતને બહુ સ્પષ્ટપણે જણાવી છે કે,  કેમ કે નાશ પામનારાઓને વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે; પણ અમો તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે” (1 કરિંથી 1:18).

હા, વધસ્તંભ તો તારણનું પ્રતીક છે.

ઈશ્વરનો એક ભક્ત વધસ્તંભના દેખાવને આધારે તેનું વર્ણન નીચે પ્રમાણે કરે છે –

  • સરવાળાના પ્રતીક (+ વત્તા) તરીકે વધસ્તંભ. વધસ્તંભ માણસજાતના પિતા એટલે કે ઈશ્વરની સાથે એક કરે છે અથવા સાંકળે છે.
  • વધસ્તંભને વહાણના વાવટાના ઊંચા થાંભલા સ્વરૂપે વર્ણવવામાં આવ્યો છે. તે આપણને પાપરૂપી સમુદ્રમાંથી પસાર થઈને કિનારા સુધી પહોંચવામાં મદદ કરે છે.
  • વધસ્તંભને એક હળ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે પથ્થરસમાન હૃદયને ભાંગીને તેને કોમળ બનાવે છે.
  • જેઓને ઈશ્વરના માર્ગની ખબર નથી, એવા ભટકી ગયેલા લોકો માટે વધસ્તંભ દીવાદાંડી સમાન છે.
  • વધસ્તંભ તો સ્વર્ગમાં જવા માટેની સીડી છે, જેથી કરીને વિશ્વાસીઓ સ્વર્ગમાં પ્રવેશવા માટે એ સીડી પર ચઢી શકે છે.
  • વધસ્તંભ તો ભૂંડાઈ સામે લડવા માટેનું હથિયાર છે. હા, શેતાન દ્વારા પેદા કરવામાં આવેલા પાપનો તે નાશ કરે છે.
  • વધસ્તંભ એન્ટીબાયોટીક્સ (જીવાણુનાશક) ઉત્પન્ન કરે છે. તે આ જગતનાં પરીક્ષણો અને દુઃખો પર વિજય મેળવવાનું સામર્થ્ય આપણને આપે છે.

 ત્રણ પ્રકારના લોકોએ વધસ્તંભ પરના ઈસુના મૃત્યુને નિહાળ્યું હતું.

  • પ્રથમ જૂથ તો લાગણીશીલ જૂથ છે (લૂક 23:48). વધસ્તંભ પર ઈસુના મૃત્યુ પામવા સંબંધી તેઓએ વિલાપ કર્યો હતો, અને એ પછીથી તેઓ કોઈક રીતે ઠંડા પડી ગયા હતા. તેઓની દૃષ્ટિએ તો, વધસ્તંભ ભયંકર બાબત છે. તેઓની છાતી કુટવાની બાબત તેઓનાં હૃદયને ભાંગતી ન હતી
  • બીજું જૂથ તો વધસ્તંભ પર ઈસુને મરણ પામતાં જોનારા લોકોનું છે – તાર્કિક/ સર્વોચ્ચ વ્યક્તિ (માર્ક 15:35 ).તેઓએ ઈસુના મૃત્યુને વાજબી ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ઈસુનું મૃત્યુ અન્યાયી અને બહુ અસ્વીકાર્ય છે. તેઓએ ઈસુના મૃત્યુનું વિશ્લેષણ કર્યું હતું અને ઈસુ જેવા એક સજ્જનના મૃત્યુ માટે કેવળ દિલસોજી વ્યક્ત કરી હતી. એક સજ્જન માણસને બચાવવા માટેનું કોઈ જોખમ તેઓએ ઉઠાવ્યું ન હતું. તેઓને ઈસુની ચિંતા તો હતી, પરંતુ તે પ્રભાવવિહોણી હતી. તેઓ તો કેવળ પોતાનો અભિપ્રાય જ વ્યક્ત કરીને ચાલ્યા ગયા હતા.
  • ત્રીજું જૂથ તો વાસ્તવિક જૂથ છે (માથ્થી, 27:54). લોકોનું આ જૂથ વધસ્તંભના ઉદેશનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ ચોક્કસપણે માનતા હતા કે ખ્રિસ્ત તેઓને માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા હતા. આ. લોકોએ વધસ્તંભ પરના ઈસુના મૃત્યુ સંબંધી કંઈક કરવાનો પ્રયત્ન કર્યો હતો. કમનસીબ વાત તો એ છે કે આજના સમયના મોટાભાગના ખ્રિસ્તીઓ ક્યાં તો પ્રથમ જૂથના કે બીજા જૂથના લોકો એવા હોય છે. આપણે કયા જૂથના લોકો છીએ ?

 

2. વધસ્તંભમાં અભિમાન કરવા માટે આપણને તેડવામાં આવ્યા છે :

        પ્રેરિત પાઉલ ગલાતી 6:14માં કહે છે કે, “પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ....વધસ્તંભ તો આપણો સંદેશ, આપણી આશા, આપણો આત્મવિશ્વાસ છે. તે આદર માટેનું આપણું ઓળખચિહ્ન અને યાતના તથા વિજયનું પ્રતીક છે. એક માત્ર વધસ્તંભમાં જ આપણને વિજય પ્રાપ્ત થશે. તેથી, આવો, આપણે વધસ્તંભ પર પ્રેમ રાખીએ, વધસ્તંભની પડખે ઊભા રહીએ અને વધસ્તંભને લીધે ક્યારેય શરમાઈએ નહિ. આપણા તારણના પ્રતીક તરીકે વધસ્તંભને ઊંચો પકડી રાખીએ. જગતની આશા તરીકે વધસ્તંભને ઊંચો કરીએ. વધસ્તંભના સામર્થ્ય કરતાં વધારે મોટું સામર્થ્ય બીજું કોઈ નથી. બાઈબલ કહે છે કે, “પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ; પણ તે દેવની સ્તુતિ કરે” (1 પિતર 4:16).

ઈસુ જ્યારે વધસ્તંભ ઊંચકીને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે કોઈની દયા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો ન હતો.

  • યરૂશાલેમની સ્ત્રીઓ : ઈસુ જયારે યરૂશાલેમની અંદર વધસ્તંભ ઊંચકીને જઈ રહ્યા હતા, ત્યારે સ્ત્રીઓ તેમને ખાતર વિલાપ કરતી હતી. પરંતુ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું, “યરૂશાલેમની દીકરીઓ, મારે માટે રડો મા, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો લૂક ૨૩:૨૭-૩૧). ઈસુને એવો આત્મવિશ્વાસ હતો કે તે સ્વર્ગમાં જવાના હતા. તે ચોક્કસપણે માનતા હતા કે અત્યારે તે જે પીડામાંથી પસાર થઈ રહ્યા હતા, એ પીડા તો ભવિષ્યની અંદર તે જે મહિમા પ્રાપ્ત કરવાના છે, તેની સરખામણીમાં કશું જ નથી.
  • વધસ્તંભ પરનો ચોર : બે ગુનેગારોમાંના એક ગુનેગારે બીજા ગુનગારને એવું કહીને ધમકાવ્યો કે, “તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ; પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી.” (લૂક 23:39-43). ચોરે વ્યક્ત કરેલી ચિંતાના આ શબ્દોએ ઈસુને પોતાની દયા ખાવાની લાગણીમાં ધકેલી દીધા હોત. ઉલટાનું ઈસુએ પોતાની દૃષ્ટિ એ વ્યગ્ર બનેલા ચોર તરફ નાખી. તેમણે એ ચોરને કહ્યું, “આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ.
  • વધસ્તંભ પાસે તેમની માતા : માતાને વધસ્તંભની પાસે ઊભેલી જોઈને ઈસુએ રાડ પાડીને તેણીને ન તો દુઃખી થવા માટે જણાવ્યું કે ન તો તેમણે પોતાની દયા ખાધી. ઉલટાનું, ઈસુ તો પોતાની માતાની જરૂરિયાત સંબંધી વિચારવા લાગ્યા. તેમણે માતા તરીકે મરિયમને યોહાનના હાથમાં સોંપી અને દીકરા સ્વરૂપે યોહાનને મરિયમના હાથમાં સોંપ્યો. વધસ્તંભની પાસે એક દત્તકવિધિના પ્રસંગની ઉજવણી થઈ હતી. ઈસુ કદાચ એવો ઈરાદો ધરાવતા હશે કે ઈશ્વરપિતા પોતાનો પુત્ર પાછો મેળવી રહ્યા છે. બસ એટલું જ! આપણે જયારે આપણા પોતાના વધસ્તંભો લઈને ફરતા હોઈએ છીએ, ત્યારે આપણે હિંમતપૂર્વક અને રાજીખુશીથી એ પીડાનો સામનો કરવો જોઈએ કે જે દુઃખને આરાધનામાં પરિવર્તિત કરતી હોય (પ્રે.કૃ. 5:41). તેથી, આવો, આપણે જ્યારે વધસ્તંભ ઊંચકીને ચાલીએ છીએ ત્યારે આપણે પોતાની જાતની દયા ખાઈને સંતોષ માની ન લઈએ, પરંતુ એમાં અભિમાન કરીએ.

3. આપણને વધસ્તંભ વિષે વાત કરવા માટે તેડવામાં આવ્યા છે:

પાઉલ બહુ સ્પષ્ટપણે જણાવે છે કે, “કેમ કે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાયેલો, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો” (1 કરિંથી 2:2).

વધસ્તંભ પરનું ઈસુનું મૃત્યુ એક અજોડ અને મોટો નમૂનો છે, અને તે અન્ય સર્વ માનવ બલિદાનો કરતાં ચઢિયાતું છે.

  • ઈસુ અવિનાશી છે. તેમણે માનવજાત માટે વિધસ્તંભ પર પોતાનો અવિનાશી જીવ આપી દીધો. તેમનું મૃત્યુ આ સૃષ્ટિના ભૂતકાળના, વર્તમાન સમયના અને ભવિષ્યના માનવજાતના તારણ અર્થે છે. જ્યારે કોઈપણ માનવી અન્ય લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરતો હોય છે ત્યારે તે કોઈક ચોક્કસ વ્યક્તિ કે લોકો કે સમયગાળા પૂરતું જ એ પ્રમાણે કરતો હોય છે. તદુપરાંત, વ્યક્તિ કેવળ એવો જ જીવ સમર્પિત કરી શકશે કે જેનો આજે અથવા કાલે અંત આવી જશે.
  • વધસ્તંભ પર ઈસુના મૃત્યુનો બીજો કોઈ જ વિકલ્પ નથી. એકમાત્ર ઈસુ જ પવિત્ર છે, પોતાના મૃત્યુ મારફતે માનવીને જીવન જીવવા માટેનો અધિકાર એકમાત્ર ઈસુ જ ધરાવતા હોવાને કારણે તેમના બદલે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામી શકે નહિ. જયારે કોઈપણ માનવી કોઈકના બદલે પોતાનો જીવ આપી શકે છે.
  • વધસ્તંભ પર ઈસુનું મૃત્યુ કોઈનું ઋણ ચૂકવવાના પાયા પર રચાયેલું ન હતું અથવા માલિક પ્રત્યેનું વિશ્વાસુપણું દર્શાવવા માટે ન હતું. તેમના મૃત્યુ પામવા પાછળનો ઉદ્દેશ લોકો પ્રત્યેના તેમના પ્રેમ સિવાય બીજો કોઈ જ નથી. જ્યારે માનવીઓ તો તેઓના પોતાના પ્રિયપાત્રો કે પોતાના ધણીઓ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દેતા હોય છે.
  • વધસ્તંભ પરનું ઈસુનું મૃત્યુ તો તેમનો તિરસ્કાર કે નફરત કરનાર લોકો માટે હતું. સામાન્ય રીતે લોકો તો કેવળ પોતાનાં વહાલાંઓ માટે પોતાનો જીવ આપી દેતા હોય છે.
  • ન્યાયને લગતા માનવીય કાયદા પ્રમાણે, બધા જ ગુનેગારો ભલે સજા પામવામાંથી બચી જાય, તોપણ તેઓના બદલે એક નિર્દોષ માણસને સજા થવી જ જોઈએ. પરંતુ અહીં તો ઈસુ કે જે, સૌથી વધારે નિર્દોષ હતા, તે જ દુષ્ટોના હાથના શિકાર બની ગયા.
  • મૃત્યુદંડની સજા જાહેર કરતી વખતે, તેઓ જીવ લેવા માટેની સૌથી વધારે સરળ અને ઓછી પીડાદાયક પદ્ધતિ અપનાવતા હોય છે. જ્યારે ઈસુને મારી નાખવા માટે એવી કોઈપણ સરળ પદ્ધતિ અપનાવવામાં આવી ન હતી. જો મંડળી કે સેવાકાર્ય કરનાર સંસ્થાએ ખ્રિસ્તના વધસ્તંભના અજોડાણા અને પાયારૂપ મિશનરીઓએ આપેલા બલિદાનને ગુમાવી દીધાં હોય, તો તેણે દરેક બાબત ગુમાવી છે. જો આપણો ઉપદેશ ખ્રિસ્તના વધસ્તંભનો ઉલ્લેખ કરતો ન હોય, તો એ ઉપદેશ તેનો સમગ્ર ઉદ્દેશ ગુમાવી દેશે. ખ્રિસ્તનો સંદેશ પાપી વ્યક્તિ માટે એ છે કેમારી પાસે આવો;” વિશ્વાસી વ્યક્તિ માટે એ છે કે, “મારામાં રહોઅને શિષ્ય માટે એ છે કે, “મારી પાછળ ચાલો”. આજે આપણે કૃપા પ્રાપ્તિના અંતિમ સમયગાળામાં જીવી રહ્યા છીએ. ઘડિયાળનો કાંટો મધરાતની પળ પ્રત્યે આંગળી ચીંધી રહ્યો છે. ખ્રિસ્તનો વધસ્તંભ એકમાત્ર એવું અજવાળું છે કે જે વર્તમાન અંધકારને પ્રકાશમય કરે છે. જે લોકોને આ બાબતની ખાતરી થયેલી છે, એવા લોકો પ્રાર્થના કરશે અને ખ્રિસ્તને માટે લોકોને જીતવાના સેવાકાર્યમાં જોડાઈ જશે. એ લોકો અવશ્ય વધસ્તંભ ઊંચકશે, વધસ્તંભ સંબંધી અભિમાન કરશે અને વધસ્તંભ સંબંધી ઉપદેશ કરશે. તેઓ ઈશ્વરના સામર્થ્ય તરીકે વધસ્તંભનો સ્વીકાર કરશે; અને આમ, તેઓ આ સામર્થ્ય પ્રાપ્ત કરીને એક સાક્ષીરૂપ જીવન જીવશે. તેઓ વધસ્તંભને ઈશ્વરના જ્ઞાનડહાપણ સ્વરૂપે સ્વીકારશે, અને તેને કારણે તેઓ ઈશ્વરને ખાતર આત્માઓ જીતીને શાણા લોકો બનશે (નીતિવચનો 11:30). તેઓએ વધસ્તંભ મારફતે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે તેને કારણે, તેઓ પિતરની જેમ, ઈશ્વરનાં ઘેટાંની સંભાળ લેવાના તેડાનો સ્વીકાર કરે છે (યોહાન 21:15-19). હા, એટલા માટે જ, આ એક એવો સમય છે કે જ્યારે મંડળી વધસ્તંભ કે જે ઈશ્વરનો મજબૂત પાયો છે, તેની તરફ પાછી જાય. લેન્ટના આ દિવસો ઈશ્વરના સર્વ લોકોને રણશિંગડાંરૂપી પોકાર કરે છે કે તેઓ વધસ્તંભ તરફ પાછા ફરીને પુનરૂત્થાન પામેલ પ્રભુ સાથેની ઐક્યતામાં આવે અને વધસ્તંભે જડાયેલ ખ્રિસ્તના સાચા અનુયાયીઓ બને.
- (વિવિધ શ્રોતોમાંથી સંપાદિત)

1 Comments

Post a Comment
Previous Post Next Post