સ્વાર્થ (Selfishness).. Gujarati Christian Message

 

Selfishness Gujarati message image

    ‘સ્વાર્થ' શબ્દ આમ તો સરળ લાગતો હોય છે, પરંતુ એ વાતનો ઉલ્લેખ કરવો એમાં અતિશયોક્તિ નથી કે સ્વાર્થને કારણે વ્યક્તિઓ અને આખું જગત ગૂંચવાડા અને ઊથલપાથલના ઊંડાણમાં સંપૂર્ણપણે ડૂબી ગયાં છે. ઈશ્વરના એક સેવકે તામિલ ભાષામાં એક કાવ્ય લખ્યું હતું, જેનો સારાંશ નીચે દર્શાવવામાં આવ્યો છે : 

ઓ પવિત્ર આત્મા ! મને ઉત્તેજીત કરો કે 

સ્વાર્થને બાળીને ભસ્મ કરી નાખવામાં આવે : 

ઓ ઈશ્વર ! મારા પ્રત્યે કરૂણા દર્શાવો કે 

વિજયવંત બનવા માટે સ્વાર્થરૂપી દેહ મૃત્યુ પામે. 

ઈશ્વરના બીજા એક સેવક જણાવે છે કે સ્વાર્થીપણાનું પ્રથમ મૂળ તો પાપ જ છે. માર્ક 10 : 45 માં ઈસુ કહે છે કે, “ કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, અને ઘણાંની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે. ” 

આ સૃષ્ટિનું સર્જન થયું છે, ત્યારથી જ ઈસુ એકલા દેવ છે કે જે નિઃસ્વાર્થી હતા અને નિઃસ્વાર્થી જીવન જીવવા માટેનો તે આદર્શ નમૂનો છે, અને સ્વાર્થ સંબંધીના મૂળભુત વિચારને આપણે જાણવો જરૂરી છે. સૌ પ્રથમ તો, આપણે એ જાણવું જરૂરી છે કે સ્વાર્થ એટલે શું ? ; બીજું આપણામાંના દરેક જણે એ વાત સમજવી જોઈએ કે સ્વાર્થ આપણા પર કેવી અસર પાડે છે. ત્રીજું, મારા સ્વાર્થીપણાની મારફતે અન્ય લોકો કેવી રીતે પ્રભાવિત થતા હોય છે.

પાઉલ 1 કરિંથી 6 : 19,20માં લખે છે કે, “તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ શું તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી; કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર વડે દેવને મહિમા આપો.”

આવો, આપણે બાઈબલમાંથી કેટલીક વ્યક્તિઓના સ્વાર્થને કારણે આવેલા પરિણામને સમજવાનો પ્રયત્ન કરીએ.

એદનવાડીમાં હવાની મારફતે સ્વાર્થનો અમલ અસ્તિત્વમાં આવ્યો હતો. ઉત્પત્તિ 2:17માં, ઈશ્વરે આદમને કહ્યું, “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” પરંતુ સર્પે પેલી સ્ત્રીને કહ્યું, “એ વાત સાચી નથી; તમે નહિ જ મરશો; કેમ કે દેવ જાણે છે કે  તમે ખાશો તે જ દિવસે... તમે દેવના જેવા ભલુંભૂંડું જાણનારાં થશો” (ઉત્પત્તિ 3:4,5). સર્પે જે વાત હવાને જણાવી હતી, એ વાત પર તેણીએ વિશ્વાસ કર્યો, તેણી એ બાબત સમજી શકી ન હતી કે તેણીની મર્યાદા શું હતી. ઉલટાનું તેણીએ તો ઈશ્વર જે કંઈ છે એ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને એ જ દિવસે જગતની અંદર પાપનું બીજ રોપવામાં આવ્યું હતું. એક વ્યક્તિના લોભ અને સ્વાર્થને કારણે જગતમાં સંકટ આવ્યું. લોભને કારણે આપણે ગણતરી કરી ન શકીએએ એટલોબધો ગેરલાભ આપણને થતો હોય છે.

સારાની દાસી હાગાર પ્રત્યે તેણીની શેઠાણીએ ક્રૂરતાભર્યો વ્યવહાર કર્યો હતો, તેથી હાગાર ભાગી ગઈ હતી. યહોવાના દૂતે રસ્તામાં હાગારને મળીને તેણીને પૂછ્યું , “ હાગાર , તું ક્યાં જાય છે ? તું એ વાત ભૂલી જઈશ નહિ કે તું તારી શેઠાણી સારાની એક દાસી છે. તું તેણીની પાસે પાછી જઈને તેણીની દાસી બનીને રહે. ” આ ઘટના ઉત્પત્તિના પુસ્તકમાં નોંધવામાં આવી છે. પરિસ્થિતિઓ , સંબંધો અને અમુક અંકુશો આપણને ઉપકારક બની ન પણ શકે ; અને આવા કિસ્સાઓમાં, આવી પરિસ્થિતિઓથી દૂર ભાગી જવાનું વલણ પણ એક પ્રકારનું સ્વાર્થીપણું જ છે. આપણે જેના વિષે વિચાર કરીએ છીએ, એ બાબતોની આપણે ઝંખતા હોઈએ છીએ, અને આયોજન પ્રમાણે આપણે પૂરેપૂરી રીતે કાર્ય કરવું જોઈએ ; વ્યક્તિ જ્યારે અડચણોનો સામનો કરે છે, ત્યારે તે અનિચ્છાએ પણ પરિસ્થિતિનો સામનો કરતી હોય છે અને તે પીછેહઠ કરે છે – સ્વાર્થ આ રીતે પ્રગટ થતો હોય છે. યહોવા દેવ આપણને સ્વકેન્દ્રીત જીવન પર વિજયી બનવા તથા ઈશ્વર કેન્દ્રિત જીવનને આધીન થવામાં સહાય કરો. 

ઈસહાકની સ્વાર્થી પત્ની રિબકાહે ઈસહાકને છેતરીને એસાવને મળનારા કાયદેસરના આશીર્વાદોથી વંચિત રાખ્યો. નાના દીકરા યાકૂબે પોતાની માતાએ કરેલી છેતરપિંડી મારફતે આશીર્વાદો પ્રાપ્ત કર્યા હતા, એસાવને જયારે ખબર પડી કે તેની માતાએ જ તેની સાથે છેતરપિંડી કરી હતી, ત્યારે તેના મનમાં સખત નફરત પેદા થઈ, અને તેણે બીજા એક કુળમાં રહેવાનું પસંદ કર્યું. એસાવથી પેદા થયેલી નવી પેઢીઓના આપણે સાક્ષીઓ છીએ. 

એ જ વંશજોના પ્રભાવ અને વૃત્તિઓને આપણે સારી રીતે જાણીએ છીએ. આ બાબતને લગતી વાત આપણે ઉત્પત્તિના પુસ્તકના 27 મા અધ્યાયમાં વાંચીએ છીએ. આ સ્વાર્થી મહિલા રિબકાહના વલણને આપણે સારી રીતે જાણીએ છીએ. તેમ છતાં, ખ્રિસ્તી ધર્મમાં કેટલાક સ્વાર્થી માતાપિતાઓ એવા છે કે જેઓ પોતે જ પોતાનાં બાળકોના સંબંધોને લગતો નિર્ણય લેતા હોય છે, તેને કારણે તેઓનાં બાળકોનાં કુટુંબોમાં હાહાકાર મચી જતો હોય છે. 

ઝબદીના દીકરાઓ યાકૂબ અને યોહાને ઈસુ ખ્રિસ્તને કહ્યું કે, “ તમે જ્યારે તમારા મહિમાવંત રાજયના તમારા રાજયાસન પર બેસો, ત્યારે અમારી ઈચ્છા એ છે કે અમે તમારી સાથે બેસીએ, એક તમારી જમણી બાજુએ અને એક તમારી ડાબી તરફ ” જો કે, તમારી મધ્યે આ બાબત જોવા મળતી નથી. જો તમારામાંનો કોઈ એક જણ મોટો થવા ચાહે, તો તેણે બાકીના લોકોનો સેવક બનવું પડે ; અને જો તમારામાંનો કોઈ એક પહેલો થવા ચાહે, તો તેણે સૌથી છેલ્લા રહેવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત સ્વકેન્દ્રિત પ્રાર્થનાઓનો ઉગ્રતાપૂર્વક વિરોધ કરે છે, એ પ્રાર્થનાઓ ભલે મોટા અધિકારો અને વધારે ઉચ્ચ કક્ષાના આશીર્વાદો માટેની હોય, પરંતુ ઈશ્વર આવી પ્રાર્થનાઓનો વિરોધ કરે છે. યાકૂબ અને યોહાને કરેલી આવી વિનંતીને કારણે અન્ય દશ શિષ્યો ગુસ્સે થયા હતા. ગુસ્સો કરવાનું પાપ, ધીમે ધીમે પરંતુ અડગપણે આપણી અંદર પ્રવેશે છે. આપણા સ્વકેન્દ્રિત નિર્ણયો બીજાઓ પર અવશ્ય અસર કરે છે. બીજાઓ સાથે આપણે જેવો વ્યવહાર કરતા હોઈએ છીએ, એવો જ વ્યવહાર આપણી સાથે પણ થતો હોય છે. આ બોધ સંબંધી આપણે માર્ક 10 : 35-45માં વાંચીએ છીએ.

બાઈબલ આપણને નિઃસ્વાર્થી જીવન જીવનાર અમુક વ્યક્તિઓ વિષે જણાવે છે. 2 રાજાઓ 6ઠ્ઠો અને 7 મો અધ્યાય સમરૂનમાં પડેલા દુષ્કાળ અને ખોરાકની અછત સંબંધી વાત કરે છે. આવી કટોકટી મધ્યે ચાર કોઢિયાઓએ લીધેલા નિઃસ્વાર્થી નિર્ણયોને કારણે સમરૂનના લોકોને નવું જીવન પ્રાપ્ત થયું હતું. એ કોઢિયાઓએ એકબીજાને કહ્યું કે, “ આ દિવસ તો વધામણીનો દિવસ છે, અને આપણે તો ચૂપ રહ્યા છીએ ; સવારના અજવાળા સુધી આપણે થોભીશું, તો આપણા પર શિક્ષા આવી પડશે ; માટે હવે ચાલો, આપણે જઈને રાજાના ઘરનાને ખબર આપીએ ” ( 2 રાજાઓ 7 : 9 ). 

એસ્તેરના પુસ્તકમાં લખવામાં આવેલી વિવિધ ઘટનાઓથી આપણે સુપરિચિત છીએ. એસ્તેરને જયારે યહૂદીઓનો નાશ કરવા માટે હામાને ઘડેલા કાવતરાની ખબર પડી, ત્યારે તેણીએ અહાશ્વેરોશ રાજાની આગળ ઊભા રહેવાનો નિઃસ્વાર્થી નિર્ણય લેવામાં સહેજ પણ વિલંબ કર્યો નહિ. એસ્તરે અન્ય લોકોને જણાવ્યું, “ જાઓ , સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કરો, અને તમે સર્વ આજે મારે સારૂ ઉપવાસ કરો.... હું રાજાની હજૂરમાં જઈશ ; જો મારો નાશ થાય, તો ભલે થાય. ” એસ્તેરના નિઃસ્વાર્થી અને હિંમતભર્યા નિર્ણયને કારણે યહૂદીઓનો છૂટકારો થયો અને તેઓને શાંતિ પ્રાપ્ત થઈ. યહૂદીઓના છૂટકારા માટે એસ્તેરે પોતાના પદ અને જીવનનો ત્યાગ કરવા ખચકાટ કર્યો નહિ. મારું કુટુંબ, મારો મોભો અને મારી મંડળી જેવા સ્વાર્થી વલણનો ત્યાગ થવો જોઈએ, અને પ્રભુ આકાશમાંથી આપણને જણાવે છે કે આપણે પૃથ્વી પરની અલ્પકાલીન સમૃદ્ધિ તરફ દૃષ્ટિ ન રાખીએ, અને એક દર્શનયુક્ત જીવન જીવીએ. ઈસુએ લોકોના ટોળાને તથા પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “ જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે ; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે ” ( માર્ક 8 : 34,35 ) . 

એફએમપીબીના ભુતપૂર્વ જનરલ સેક્રેટરી શ્રી એમિલ જેબાસિંઘે રચેલું એક ગીત મને યાદ આવે છે. એ ગીત આપણને સ્વનકાર સંબંધી જણાવે છે. આપણે એક એવી આરામદાયક અવસ્થામાં જીવન જીવવાની ઈચ્છા રાખીએ છીએ કે જ્યાં આપણું ખ્રિસ્તી જીવન, સેવાકાર્ય અને બલિદાન સરળતાપૂર્વક સુરક્ષિત રહે ; ઈશ્વર ઈચ્છે છે કે આપણે એ આરામદાયક અવસ્થામાંથી બહાર આવીએ, તેનું કારણ એ છે કે આપણે આપણા સ્વાર્થનો નાશ કરી શકીએ તેમ નથી. આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્ત પોતાનું સર્વસ્વ ત્યજી દઈને આ જગતમાં આવ્યા. ( ફિલિપ્પી 2 : 4-8 ) ઘણા લોકો એવા હોય છે કે જેઓ સર્વ લોકોના હિતાર્થે પોતાના સ્વાર્થનો ત્યાગ કરતા હોય છે ; આપણે એક એવા જગતમાં જીવી રહ્યા છીએ કે જ્યાં ઈશ્વરના સેવકો પોતાનાં સેવાકાર્યોમાં લાભકારક બાબતો જ શોધતા હોય છે. 

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછીથી નોંધપાત્ર જીવન જીવનાર તથા મંડળીઓ સ્થાપનાર એક ખાસ પ્રેરિત તો પાઉલ હતો. પોતાની જાતનો ત્યાગ કરવાની બાબતમાં તે એક નમૂનારૂપ વ્યક્તિ હતો. ફિલિપ્પી 3 : 5-11 આપણને એ વાત જણાવે છે કે પાઉલ દુન્યવી દષ્ટિએ કેટલો બધો મહાન હતો. પાઉલના સ્વનકારયુક્ત જીવન સંબંધી આપણે ગલાતી 2 : 20 માં વાંચીએ છીએ. “ હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો ; પરંતુ હું જીવું છું ; તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે ; અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે ; તેણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. ” પાઉલની નિઃસ્વાર્થી પ્રવૃત્તિઓ અને સેવાકાર્યોને કારણે જ ઘણીબધી નવી મંડળીઓ સ્થપાઈ હતી. 

ભારતમાં સેવાકાર્ય કરવા માટે આવનાર ઘણાબધા મિશનરીઓ, જેવા કે રેવ. રેનિયસ, રેવ. રેગ્લેન્ડ,  રેવ. થોમસ વોકર, રેવ. વિલિયમ કેરી, એમી કારમાઈકલ, મધર ટેરેસાએ યુરોપમાંની પોતાની સુખસાહ્યબીનો ત્યાગ કર્યો હતો. જો તેઓ સ્વાર્થી રહ્યા હોત, તો આપણને સુવાર્તા સાંભળવાનો લહાવો પ્રાપ્ત થયો ન હોત. એ બધા મિશનરીઓ ભારતીય ભૂમિમાં ઘઉંના દાણાની જેમ રોપાયા હતા.

જો આપણે કોઈપણ પ્રકારની મુશ્કેલી વગરનું આરામદાયક જીવન જીવવાની ઈચ્છા રાખતા હોઈએ, જ્યાં કોઈપણ પ્રકારનો વિરોધ થતો ન હોય એવી જગ્યાઓએ સેવા કરવાની ઈચ્છા રાખતા હોઈએ, જો આપણે બીજાઓની કાળજી લેતા ન હોઈએ, સેવાકાર્ય કરવા માટેના આપણા તેડાને ભૂલી જવાનું વલણ જો આપણે ધરાવતા હોઈએ, જો આપણે આપણા દર્શનને ભૂલી જઈએ, તો આ પૃથ્વી પર આપણે ક્યારેય ઈશ્વરના રાજ્યને વૃદ્ધિ પમાડી શકીશું નહિ. આવો, આપણે પ્રાર્થનામય જીવન જીવવા, બાઈબલ વાંચન અને તેનું મનન કરવા તથા પવિત્રતા અને બલિદાનયુક્ત એવા આપણા ખ્રિસ્તી જીવનના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહીએ. યહોવા દેવ આપણને આપણા દેશ પ્રત્યેના આપણા સમર્પણને તાજું કરવામાં સહાય કરે કે જેને કારણે લોકો અંધકારમાંથી અજવાળા તરફ આવી શકે. 

આમેન. 


- શ્રી જેસ્સ ધર્મબાલન ( FMPB )

1 Comments

Post a Comment
Previous Post Next Post